દિવ્યાંગ બાળકો માટે શિક્ષક અને આચાર્ય તરીકે આપણે શું કરી શકીએ છે?

દિવ્યાંગ બાળકો માટે
શિક્ષક અને આચાર્ય તરીકે આપણે શું કરી શકીએ છે?
પ્રથમ પગલું એ બાળકને સ્વીકારવાનું છે અને એ સમજવાનું છે કે બાળકને કોઈ સમસ્યા છે જેના કારણે તે કોઈ ક્રિયા કરી શકતું નથી. તે પછી આપણે સમસ્યાના અથવા ક્રિયાઓ ન કરી શકવાનાં કારણો ઓળખવાની શરૂઆત કરીએ. ખાસ કરીને બાળકોને ટેકો આપવામાં સૌથી મહત્વપૂર્ણની શરૂઆત તેમની "ઓળખ" સાથે  થાય છે. અહીં ઓળખનો અર્થ બાળકની સમસ્યાને વિશિષ્ટ જરૂરિયાતોના તકનીકી પાસાંઓ સાથે જોડવાનો છે.  બાળક જયારે પરિસ્થિતિને સમજવા, તેનું અર્થઘટન કરવા, વિચારો / આદેશોનું અનુસરણ કરવા કે કોઈ કામ કરવામાં ખાસ મુશ્કેલી અનુભવે છે ત્યારે આ સમસ્યા સ્પષ્ટ થાય છે  જે તબીબી, આનુવંશિક કે  કોઈ અકસ્માત, જેવાં વિવિધ કારણોસર હોઈ શકે છે. જો આપણે આ પરિસ્થિતિનો ઇન્કાર કે અસ્વીકાર કરીએ અને કોઈપણ કારણોસર સમસ્યાની અવગણના કરીએ, તો તેમાં સૌથી વધુ પીડા બાળક ભોગવશે અને યોગ્ય અને ઉચિત પુનર્વસનથી વંચિત રહેશે જે તેના જીવનની નબળી ગુણવત્તા તરફ દોરી શકે છે.
શા માટે આપણે આવા ખાસ બાળકોને ઓળખવાની જરૂરછે?
આ ખાસ બાળકોને સમાનતા અને સમતાનો (ઇક્વિટી)અધિકાર છે કે જે તેમને શિક્ષણના મુખ્ય પ્રવાહનો ભાગ બનાવે છે. આપણે આવા વિદ્યાર્થીઓની ઓળખ કરવાની જરૂર છે કારણ કે તેઓને તેમના હેતુઓ અથવા નિર્ધારિત ધ્યેયો પ્રાપ્ત કરવા માટે વિશિષ્ટ દરમ્યાનગીરીની જરૂર છે. વિશિષ્ટ શિક્ષણ માટે યોગ્ય સંસાધન પસંદ કરવા અને પુરા પાડવા માટે અને સક્ષમ વાતાવરણ બનાવવા માટે આ ઓળખની આવશ્યકતા છે જેથી સમાનતા અને સમતા સુનિશ્ચિત થાય. માતા-પિતા સહિત તમામ મુખ્ય શિક્ષકો, શિક્ષકો, શાળાના મેનેજમેન્ટ કમિટીના સભ્યો માટે આ સૌથી મહત્વપૂર્ણ અને નિર્ણાયક બાબત છે.
ઓળખ પ્રક્રિયામાં મુખ્ય શિક્ષકની ભૂમિકા
મુખ્ય શિક્ષકની શાળા માટે એકંદર જવાબદારી હોય છે અને તે શાળામાં રહેલા અને શાળાની બહારના તમામ હિસ્સેદારો માટે જવાબદાર છે. મુખ્ય શિક્ષક એ મુખ્ય વ્યક્તિ છે કે જે સમાન શિક્ષણ તકો પ્રદાન કરવા માટે જવાબદાર છે અને જ્યાં તમામ વિદ્યાર્થીઓ શાળાનાં સંસાધનો સમાનતાથી અને સુલભતાથી મેળવી શકે તેવું વાતાવરણ બનાવે છે. તેથી, મુખ્ય શિક્ષકે ઓળખ પ્રક્રિયામાં આગેવાની લેવાની છે અને શાળામાં તમામ શિક્ષકોને તેમાં સામેલ કરવાના છે. ઓળખ બે પ્રકારની હોય છે, પ્રથમ જયારે "આંગણવાડી" ના બાળકો એ જ ગામની સરકારી પ્રાથમિક શાળાના પહેલા ધોરણમાં પ્રવેશ મેળવે અને બીજી, જ્યારે વિદ્યાર્થીઓ અન્ય શાળાઓમાંથી પ્રવેશ મેળવે જે સ્થાનાંતર વગેરે કારણસર હોય છે અને આ નોંધણી ૧ થી ૮ સુધી કોઈપણ ધોરણમાં હોઈ શકે છે.
ઓળખની પદ્ધતિઓ:
આંગણવાડી સાથે સંકલન
બધા જ મુખ્ય શિક્ષકો અને અન્ય શિક્ષકો આપણી શાળાની નજીકમાં કામ કરતી આંગણવાડી વિશે જાણે છે. આ "આંગણવાડીઓ" ૩ થી ૬ વર્ષની ઉંમરના બાળકોની માહિતીને જાળવી રાખે છે, જેમાં નવજાત શિશુ અને તેના જન્મ પછીની વિગતોનો સમાવેશ થાય છે. આ માહિતી બાળકના વિવિધ પાસાંઓને સમજવા માટે ખૂબ ઉપયોગી છે. આંગણવાડી કાર્યકર આ બાળકોને દૈનિક ધોરણે મળે છે અને તેઓની કાળજી લે છે. રેકોર્ડ કરેલ માહિતી ઉપરાંત તેની પાસે અન્ય માહિતી પણ હોય છે જે બાળકના વિકાસ સંબંધિત રેકોર્ડમાં ન હોય.. આ માહિતીમાં બાળકોનાં વર્તનની નાનામાં નાની વિગતો, બાળકનાં કોઈ વિશિષ્ટ લક્ષણો, વગેરે હોઈ શકે છે. આંગણવાડી કાર્યકાર દરરોજ બાળકો સાથે હોય છે અને તે બાળકોની વર્તણૂંક અને બૌદ્ધિક ક્ષમતાઓથી સારી રીતે પરિચિત હોય છે. તેના અનુભવના આધારે દરેક બાળક વિશેની પ્રાથમિક માહિતી તેનાથી એકત્રિત કરી શકાય છે.
મુખ્ય શિક્ષક તરીકે આગેવાની લો અને આંગણવાડીમાં મીટિંગની ગોઠવણ કરો જ્યાં શાળાના તમામ શિક્ષકો પણ આંગણવાડી કાર્યકરને મળે અને બાળકો વિશેની માહિતી મેળવે. બાળકોની પ્રાથમિક તપાસ તેઓને ધોરણ એકમાં દાખલ કરવામાં આવે તે પહેલાં કરી શકાય છે.
તમારી શાળામાં આરોગ્ય શિબિરનું આયોજન કરવું:
મુખ્ય શિક્ષકની આ એક અગત્યની ભૂમિકા છે. દર વર્ષે આંગણવાડીના બાળકોને ધોરણ ૧માં દાખલ કરવામાં આવે તે પહેલાં શાળામાં આરોગ્ય શિબિરનું આયોજન કરવા માટે આગેવાની લો. આ આરોગ્ય શિબિરમાં બધા વિદ્યાર્થીઓની કોઈપણ સરકારી હોસ્પિટલના ડૉક્ટર દ્વારા તબીબી તપાસ કરાવવાનું રહેશે. આ બીજી તપાસ તબીબી અથવા આનુવંશિક માન્ય કારણોસર અપંગતા (દિવ્યાંગતા) ધરાવતાં બાળકોને ઓળખવામાં મદદ કરશે. એકવાર ખાસ બાળકોની ઓળખ થઈ જાય પછી તેની એક અલગ સૂચિ બનાવો અને તેમનાં લક્ષણો અથવા તેમની વર્તણૂંક નોંધો, ફરીથી આંગણવાડી કાર્યકાર સાથે તે અંગે ચકાસણી કરો અને ફરીથી આ નોંધ પાકી કરો. આંગણવાડી કાર્યકાર દ્વારા જણાવેલી બધી માહિતી આ સૂચિમાં ઉમેરો અને અંતિમ દસ્તાવેજ તૈયાર કરો. મુખ્ય શિક્ષક તરીકે ફરીથી મીટિંગ ગોઠવો. જેમણે તબીબી શિબિરનું આયોજન કર્યું હતું તે ડૉક્ટરને આમંત્રિત કરો અને વિશેષ બાળકોની બાબતોના જાણકાર નિષ્ણાત ડૉક્ટર ને પણ સાથે લાવવા માટે તેમને વિનંતી કરો. મીટિંગમાં તમારા શાળાના શિક્ષકોને હાજરી આપવા માટે પણ કહો. ડૉક્ટર અને નિષ્ણાતની સાથે સૂચિની ચર્ચા કરો અને આવા પ્રકારના વિદ્યાર્થીઓ સાથે વિશિષ્ટ દરમ્યાનગીરી કરવા માટે યોગ્ય જ્ઞાન મેળવો. વિશિષ્ટ દરમ્યાનગીરી માટે ઉપયોગમાં લેવાતા વિવિધ સાધનો / ઉપકરણો પર માહિતી આપવા કરવા માટે ડૉક્ટર / નિષ્ણાતને પણ વિનંતી કરો. ખાસ બાળકો સાથેની દરમિયાનગીરીઓ માટે સમયગાળાની નોંધ લેવી જોઈએ કારણ કે હકારાત્મક ફેરફારો થવામાં સમય લાગી શકે છે અને તેથી ધીરજ રાખવાની જરૂર છે. બાળકનાં માતાપિતા પણ આરોગ્ય શિબિરમાં ભાગ લે તે સુનિશ્ચિત કરવા, એક મુખ્ય શિક્ષક તરીકે, માતાપિતાનો સંપર્ક કરવા માટે સ્કૂલ મેનેજમેન્ટ કમિટીના સભ્યોને સામેલ કરો. સાથે સાથે સ્કૂલના તમામ વિદ્યાર્થીઓ માટે આરોગ્ય શિબિર પણ ગોઠવો કારણ કે ક્ષતિનાં લક્ષણો કોઈપણ ઉંમરે પ્રગટ થઇ શકે છે.
બ્લોક રિસોર્સ પર્સન-બીઆરપીને સામેલ કરવા
તમારા બ્લોકના "બ્લોક રિસોર્સ પર્સન" એ વિશિષ્ટ દરમ્યાનગીરી માટે જરૂરી સામગ્રી, તાલીમ અથવા અન્ય મદદ માટેના સંકલનમાં એક મુખ્ય વ્યક્તિ છે. એક વાર દિવ્યાંગ વિદ્યાર્થીઓની ઓળખ થઈ જાય તે પછી આવા વિદ્યાર્થીઓ માટે રાજ્ય સરકાર દ્વારા વિકસિત સંસાધનો / સામગ્રી મેળવવા માટે તમારા બીઆરપી (બ્લોક સંસાધન પર્સન) નો સંપર્ક કરો. શિક્ષકો માટે તમારી શાળામાં એક પ્રશિક્ષણ વર્કશોપ ગોઠવો જ્યાં તેઓને વિશેષ શિક્ષણ જરૂરિયાતો માટે તાલીમ આપવામાં આવે. વિશિષ્ટ દરમ્યાનગીરી માટે સંસાધનોનો ઉપયોગ કેવી રીતે કરવો તે દર્શાવવા માટે બીઆરપી  અને ડૉક્ટરની વિનંતી કરો અને તબીબી ડૉક્ટર અથવા નિષ્ણાતની મદદથી મેપિંગ ચાર્ટ વિકસાવો, જે વિદ્યાર્થીઓની પ્રગતિ અને વિકાસ બતાવે છે, આ મીટિંગમાં પણ ખાસ બાળકોનાં માતા-પિતાને આમંત્રણ આપો જેથી તેઓ ઘરે સંપૂર્ણપણે સામગ્રી / સાધનોનો ઉપયોગ કરી શકે. બીઆરપી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સપોર્ટ મેળવવા માટે અથવા ખાસ પ્રકારના વિદ્યાર્થીઓને લાભ અપાવવા માટે સરકારી યોજનાઓ સાથે સંકલન માટે પણ ઉત્પ્રેરક ભૂમિકા ભજવી શકે છે.

No comments:

Post a Comment

Featured post

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત 4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆ...