નવા વર્ષે હર્ષે,
નવા કો ઉત્કર્ષે, હૃદય, ચલ !માંગલ્યપથ આ
નિમંત્રે; ચક્રો ત્યાં કર ગતિભર્યાં પ્રેમરથનાં.
નવી કો આશાઓ.
નવી આકાંક્ષાઓ પથ પર લળૂંબી મૃદુ રહી.
મચી રહેશે તારી અવનવલ શી ગોઠડી તહીં !
– ઉમાશંકર જોશી
ટચલી આંગલડીનો નખ
લટમાં પરોવી હું તો બેઠી, સજન!
મુંને એકવાર કાગળ તો લખ.
કૂંપણ ગોતું ને જડે ઝાકળનું ઝૂમખું,
વ્હાલમજી બોલ, એવા અંજળનું નામ શું?
ચૂમી ચૂમીને કરી એંઠી, સજન!
હવે લૂછી દે પાંપણનાં દખ.
છાતીમાં સૂનમૂન પાળ્યાં રે પારેવડાં,
પાતળિયા પૂછ, એના પડછાયા કેવડા?
છાલક ના જાય જરી વેઠી, સજન!
મુંને ઘોળી દે ઘૂઘવતાં વખ.
– વિનોદ જોષી
સતત સંકીર્ણતાઓની વચાળે વિસ્તર્યો છું હું !
અને મારી ચિતાની રાખમાંથી અવતર્યો છું હું !
છલોછલતાનું બીજું નામ જાણે કે, હું પોતે છું;
મને ખાલી કરી દેનાર, લે અભરે ભર્યો છું હું !
કુટિલ એ કારસાઓને મળ્યો અંજામ એવો કે-
ગયો દરિયો સ્વયં ડૂબી અને જુઓ, તર્યો છું હું !
મને મારા મહીંથી પણ જે ભૂંસી નાખવા માટે-
મથ્યા છે એની આંખોમાં હજુયે ચીતર્યો છું હું !
સદાયે જાળવી રાખી છે મેં મારી લીલાશોને;
ગઈ ડાળી સુકાઈ તે છતાંય ક્યાં ખર્યો છું હું ?!
ગગન ઘેરાઈને વરસે ફરીથી શુભ્ર થઈ જાયે;
ડહોળાઈ રડ્યો પાછો, ફરીથી આછર્યો છું હું !
– ‘નિરંકુશ’ કરસનદાસ લુહાર
સાંજે હીંચકો ખાલી ન રહે
આખી સાંજ હીંચકો ઝૂલ્યા કરે
બાપાને આવતાં જુએ કે
બાજુમાંથી ખસી પત્ની ઘરમાં વળે
ધીમેકથી બાપા ગોઠવાય બાજુમાં
વાતો અને હીંચકો ધીરે ધીરે ચગે.
બાપા ઘણીવાર ટોકેઃ
આમ હીંચકા ખાતો વાંચતો ન હો તો,
આંખો વહેલી બગડશે.
ચશ્મા તો આવ્યા જ.
એક સાંજે બાપા ચશ્મા, દાંતનું ચોગઠું ને
લાકડી મૂકી બહુ આઘેરાક નીકળી ગયા…
હીંચકાને એક ઠેલે વીતે મહિનો
બીજે ઠેલે વળે વરસ, વરસો.
હીંચકામાં ઉમેરાયો દીકરાના પગનો ઠેલો
આપણે પગ વાળી નિરાંતમાં ઝૂલીએ…
હમણાંથી દીકરાને હીંચતો મેલી હુંય
સાંજે સાંજે ચાલવાને રવાડે ચડ્યો છું…
– રમણીક અગ્રાવત
પ્રત્યેક શ્વાસો શ્વાસ મને શોધતો હતો,
હું મારી આસપાસ મને શોધતો હતો.
કેડીઓ કારણોની સમેટાઈ ગઈ પછી,
રસ્તાઓનો પ્રવાસ મને શોધતો હતો.
કંઈ કેટલાય શબ્દો ગળે બાંધવા પડ્યા,
પ્રત્યેક શબ્દ ખાસ મને શોધતો હતો.
મેં શોધ આદરી છે ફરી એક નાવની,
દરિયે પડેલ ચાસ મને શોધતો હતો.
ચપટીક અંધકાર ઉલેચી શક્યો નહીં,
જન્મોથી કૈંક ઉજાસ મને શોધતો હતો.
– ‘તરલ’ ભરત ભટ્ટ
લાલ લસરકો માટીનો, પીળો પચરક તાપ
એમાં વરસે વાદળી, ઓચ્છવ આપોઆપ
સરવર ઝાંખું થાય ને કાંઠાઓ કજરાય
ખોબે ખોબે પી લિયો, સાંજ સુકાતી જાય
ક્યાં જન્મે, ક્યાં ઊછરે, કોકિલાનાં કુળ?
શું પ્રતારણામાં હશે સર્વ કળાનાં મૂળ?
કદી કદી રિસામણાં, કદી કદી મેળાપ
બચપણના બે ગોઠિયા, અજવાળું ને આપ
સાંજ ઢળે, આકાર સૌ નિરાકારમાં જાય
ગોકુલ સરખું ગામડું શ્યામલવરણું થાય
રામમંદિરે પગરખાંની છે સખ્ત મનાઈ
લઈ પાદુકા હાથમાં, બહાર ઊભો ભાઈ!
જળ પર વહેતાં જોઈ લો, વનસ્પતિનાં મૂળ
મુંબઈકર ઠક્કર મ્હણે, ઈથેચ માઝે કુળ
સુખ ને દુ:ખનો પ્રાસ તો સરખેસરખો હોય
બે અક્ષરની બીચમાં, જોકે, થડકો હોય
– ઉદયન ઠક્કર
‘હતો તું તોફાની,
અરે જિદ્દી માની,
કદિ કદિ મને ખૂબ પજવી,
અને મેં યે રીસે ઘણી ઘણી તને ચૂંટી ય ખણી,
સુંવાળા એ ગોરા તુજ વદનની રોશની હણી.
‘અરે, તું શું જાણે?
હતો તું એ ટાણે
કની ઠમકતો બાલ ભૂલણો;
ઘડી પહેલાંનું સૌ તુજ રમતમાં વીસરી જતો,
ફરી મારો ખોળો ભરી હ્રદય મારું ભરી જતો.
***
“મીઠી માડી મારી,
ભરી દૂધે ઝારી
મુજ મુખ ધરીને ઊલટઠી
ન શું પાયાં મોંઘાં અમૃતઅધિકાં દૂધ દિલનાં?
ન શું છાનાં હેતે નયન-ઉર ઉદ્દીપિત કર્યા?
ન શું નીચોવીને મુજ જીવનમાં જીવન ભર્યા?
“તું તો મારી બા- એટલું બસ મને નિત્ય સ્મરવાઃ
નવ હું સ્મરતો લાત પ્રહરી,
અવ વિસરી જા, બા તું ચીમટી.
– ‘ઇન્દ્રધનુ’ સુંદરજી બેટાઇ
No comments:
Post a Comment