ચિંતા રહે આંસુ છલકાવી દીકરી કેમ હજૂ ના આવી ?



ચિંતા રહે આંસુ છલકાવી
દીકરી કેમ હજૂ ના આવી ?
રિસ્ટ વોચને પણ ઝટકાવી
જોતાં બાપૂ ચશ્મા ચડાવી
કેમ હજૂ ના પાછી આવી ?

પરિવારની જવાબદારી
પપ્પાએ તો છે સંભાળી
એમનો બોજો ઓછો કરવા
દીકરી પણ છે આગળ આવી
સવાર થાતાં કામે જાતી
ઘરનું ટીફીન રોજે ખાતી
યાદ ન આવે સાંજ ક્યાં ઢળતી
દીકરી કામથી પાછી વળતી
રહી રહી ને વિચાર આવે
આજે કેમ હજૂ ના આવી ?

કાલ સુધી જે ઘરઘર રમતી
બાપના હાથે કોળિયો ભરતી
માતા ખોટો ગુસ્સો કરતી
મનમાં મીઠું મીઠું હસતી
નિશાળ મુકવા માતા જાતી
બાપૂની આંખો છલકાતી
માતા સાયકલ શીખવે ત્યારે
બાપૂને બહુ ચિંતા થાતી
થાક્યા એ મનને સમજાવી
હજી સુધી એ કેમ ન આવી ?

જગત આ આખું  એક શિકારી
દીકરી સાવ છે ભોળી  મારી
ઘરથી નીકળી તો છે પણ એ
જાણે ના કૈં દુનિયાદારી
જાળ લઇને પારધી ઉભા
ઉડતાં પાડવાની તૈયારી
કરું વિનંતિ  ઇશ્વર, તમને
દીકરીને લેજો  ઉગારી
પ્રાર્થના પ્રભુએ સાંભળી લાગી
ડોરબેલ દરવાજે વાગી
મલક્યું મોં , આંખો છલકાવી
ખબર પડી ગઇ, દીકરી આવી!

દીકરી સાથે ઘર પણ મલક્યું
થોડું આંસુમાં પણ છલક્યું
માત લડી ત્યાં બાપૂ  બોલ્યા
કામ હોય તો થાય ન મોડું ?
એમાં આટલો ઉચાટ શાનો ?
ધીરજ ધરતાં શીખો થોડું !
ફોન કરે કે કામ કરે એ ?
બ્હાર જાવ તો સમજ પડે ને ?
મા સમજી ગઇ, હસી પડી ત્યાં
દીકરીએ મોસમ બદલાવી !
દીકરી જેવી ઘરમાં આવી !




No comments:

Post a Comment

Featured post

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત

4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆત 4200 પે ગ્રેડ બાબતે અપક્ષ ધારાસભ્ય મેવાણી સાહેબની રજુઆ...